ડોમ્બિવલી પૂર્વ રેલવે સ્ટેશન પાસે શિવાજી ચોકની મધ્યમાં આવેલી શિવસેના શાખાનો તાબો કોની પાસે તે અંગે છેલ્લા એક મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. આજે એકનાથ શિંદે, અને ડૉ. શ્રીકાંત શિંદેના ફોટાઓ લગાડવાના મુદ્દે ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથના શિવસૈનિકો સોમવારે બપોરે અચાનક મધ્યવર્તી શાખામાં ઘૂસી ગયા હતા અને ઠાકરે જૂથના મહિલા અને પુરુષ હોદ્દેદારો સાથે ધમાલ મચાવી હતી. અને કાર્યાલયમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, શ્રીકાંત શિંદેની તસવીરો લગાડવામાં આવી.
ઠાકરે જૂથે શિંદે જૂથના શિવસૈનિકોને શાખામાંથી બહાર ધકેલવાનો પ્રયાસ કર્યો હતો. અને એક તબક્કે શિંદે સમર્થકોનું એક જૂથ શાખામાં ઘુસી ગયું હતું. ઠાકરે જૂથના શિવસેનાના પદાધિકારીઓને શાખા છોડી દેવાનું કહેતાં જ ઠાકરે જૂથના શહેર પ્રમુખ વિવેક ખામકરે તેનો વિરોધ કર્યો હતો. હંગામો કરવાના ઈરાદે શાખામાં ઘુસેલા શિવસૈનિકોએ ખામકરને મારઝૂડ કરી અને શાખામાંથી બહાર લઈ ગયા હતા. તે વખતે તેમનો શર્ટ ફાટી ગયો હતો. ઠાકરે જૂથના શિવસૈનિકો એ આક્ષેપ કર્યો હતો કે ખામકરનો બચાવ કરવા દોડી ગયેલી મહિલા પદાધિકારીઓની ધક્કા મુક્કી કરવામાં આવી હતી.
પોલીસને આ વાતની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી. ડોમ્બીવલી પૂર્વ તથા ડોમ્બિવલી પશ્ચિમ કોપરના મોટી સંખ્યામાં શિંદે તરફી શિવસૈનિકો શાખાની સામે એકઠા થયા હતા. શાખામાં કલ્યાણ જિલ્લા પ્રમુખ સદાનંદ થરવાલ, વિધાનસભા સંયોજક કવિતા ગાવંડ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે બંન્ને જૂથના કાર્યકરોને શાંત રહેવા અપીલ કરી હતી. બંન્ને જૂથો વચ્ચે તોફાન થઈ શકે છે તેવી ધારણાથી પોલીસે શાખા વિસ્તારમાં કડક સુરક્ષા વધારી દીધી છે.
ડોમ્બિવલીમાં સોમવારે સર્વેશ હોલમાં શિંદે જૂથ દ્વારા સભ્ય નોંધણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે પૃષ્ઠભૂમિમાં શાખાનો વિવાદ ઉભો થતાં હવે નવો વિવાદ છેડાયો છે. ઠાકરે જૂથ તરફથી શિવસૈનિકોના એફિડેવિટ ભરવામાં આવી રહ્યા છે. તેથી પ્રોત્સાહિત કરવા માટે શિંદે જૂથે સભ્યપદ નોંધણી કાર્યક્રમ હાથ ધર્યો હતો, જેથી બંન્ને જૂથો વચ્ચે ભારે ઘર્ષણ થાયુ છે.
શ્રીકાંત શિંદેના સમર્થક ભૂતપૂર્વ કોર્પોરેટર રમેશ મ્હાત્રેના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં શિવસેના શાખામાં આજે પ્રવેશ્યા હતા. તેમણે શાખાના પદાધિકારીઓને બહાર જવા કહ્યું. જ્યારે તેઓ બહાર ન જતાં, તેઓએ તેમને ખેંચી બહાર લઈ ગયા હતા. તેથી ખેચાખેચીમા ખામકરનો શર્ટ ફાટી ગયો હતો. આ સમયે મહિલા અધિકારીઓ સાથે ઝપાઝપી થઈ હતી. આ શાખાનું નામ પૂર્વ શહેર પ્રમુખ સ્વર્ગસ્થ ગોવિંદ ચૌધરીના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમની પુત્રી વિધાનસભાના સંયોજક કવિતા ગાવંડ શાખાના સંયોજક છે. તેથી, તેમણે કહ્યું કે મુખ્યમંત્રી શિંદે, શ્રીકાંત શિંદે અને રમેશ મ્હાત્રે આવે તો પણ શાખા છોડવામાં આવશે નહીં. ઠાકરે જૂથના વડા વિવેક ખામકરે કહ્યું કે ગમે તેટલું દબાણ લાવવામાં આવે, તો પણ અમે ઉદ્ધવ ઠાકરેના સમર્થક તરીકે કામ કરવાનું ચાલુ રાખીશું.